share this

Monday, March 1, 2021

નરેન્દ્ર મોદીના નામે સ્ટેડિયમ પર ભાજપમાં ઉઠ્યા વિરોધના સુર


અમદાવાદમાં વિશ્વના સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવાને લઈને ગરમાયેલું રાજકારણ ઠંડુ પડવાનું નામ નથી લઈ રહ્યું. વિપક્ષ તરફથી સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે ભાજપની અંદર પણ સ્ટેડિયમના નામ બદલવાને લઈને વિરોધના સુર ઉઠ્યાં છે.


જણાવી દઈએ કે, અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમનું પુન:નિર્માણ કરવામાં આવ્યું છે અને 1.32 લાખ પ્રેક્ષકોને બેસવાની ક્ષમતા ધરાવતું વિશાળ સ્ટેડિયમ બનાવાયું છે. નવ નિર્માણ બાદ આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. હવે ભાજપ સાંસદે તેને લઈને કટાક્ષ કરતાં ટ્વીટ કર્યું છે.


સ્ટેડિયમના નવા નામકરણને લઈને સરકાર પહેલાથી જ આલોચનાનો સામનો કરી રહી છે, પરંતુ ગુજરાત સરકારે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે, સરદાર પટેલના નામે સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે. આ એન્કલેવ અંતર્ગત જ સ્ટેડિયમ આવશે, જે તેનો જ એક ભાગ છે. સ્પોર્ટ્સ એન્કલેવમાં ફૂટબોલ, હોકી સહિત તમામ રમતો માટેની વ્યવસ્થા કરવામાં આવશે.


સરકારની આ પ્રતિક્રિયા એવા સમયે આવી, જ્યારે વિપક્ષે નામ બદલવા પર આક્ષેપ કર્યો હતો. વિપક્ષનું કહેવું હતું કે, સરકારે સરદાર પટેલની જગ્યાએ મોદીના નામે સ્ટેડિયમ બનાવ્યું છે. જે દેશના પ્રથમ ગૃહમંત્રીનું અપમાન છે. હવે ભાજપ સાંસદે પણ વ્યંગ કર્યો છે.


વિપક્ષને હવે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો પણ સાથ મળી ગયો છે. સ્વામીએ ટ્વીટ થકી મોદીના નામે સ્ટેડિયમ કરવા પર ટિખળ કરી છે.


સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાતના જમાઈ તરીકે રાજ્યના અનેક લોકોએ મને સ્ટેડિયમથી સરદાર પટેલનું નામ હટાવવા અંગે જણાવ્યું છે. મારું સૂચન છે કે, ગુજરાત સરકારે પોતાની ભૂલ સુધારતા નરેન્દ્ર મોદીનું નામ પરત ખેંચવું જોઈએ. તેમણે આવું કરતાં સમયે કહેવું જોઈએ કે, નામ બદલતા સમયે નરેન્દ્ર મોદીની સલાહ લેવામાં આવી નહતી. આથી તેને પરત લેવામાં આવી રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામી છેલ્લા અનેક વર્ષોથી ભાજપના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યાં છે. ભલે તેઓ બેબાક રીતે પોતાનો પક્ષ ના રાખતા હોય, પરંતુ આડકતરી રીતે કાયમ કટાક્ષ કરતા રહે છે.


ખેડૂત આંદોલનને લઈને પણ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારથી વિપરીત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે નામકરણને લઈને કહ્યું હતું કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહ્યો છે. આથી જ સ્ટેડિયમનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે જ તેમણે આ સ્ટેડિયમની કલ્પના કરી હતી. જે હવે સાકાર થઈ છે.

Comments