share this

Monday, March 1, 2021

ગુજરાતમાં સરકારી હૉસ્પિટલમાં મફત મળશે કોરોનાની રસી


1 માર્ચથી ગુજરાત સહિત દેશભરમાં કોરોના વેક્સીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ગુજરાતમાં સરકારી હૉસ્પિટલમાં મફત કોરોનાની રસી આપવામાં આવશે જ્યારે ખાનગી હૉસ્પિટલમાં 250 રૂપિયાના ચાર્જ સાથે રસી આપવામાં આવશે.


હેલ્થ મિનિસ્ટર નીતિન પટેલે ટ્વીટ કરતા ગુજરાત માટે રાહતના સમાચાર આપ્યા છે. નીતિન પટેલે ટ્વીટ કરતા લખ્યુ કે, “ગુજરાતના નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે કોરોનાની વેક્સીન ખાનગી હોસ્પિટલમાં લેવાની કિંમત ફક્ત રૂપિયા 150 નક્કી કરેલ છે અને વહીવટી ચાર્જ 100 રૂપિયા નક્કી કરેલ છે. આમ આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં ફક્ત રૂપિયા 250ની કિંમતથી એક વેક્સીનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે અને સરકારી હોસ્પિટલમાં આ વેક્સીન વિનામૂલ્યે આપવામાં આવશે.”


1 માર્ચથી સિનિયર સિટિઝન અને બીજા નાગરિકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગંભીર બીમારાથી પીડતા અને 60 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવશે.રજિસ્ટ્રેશન માટે બે પ્રકાર છે. એક મોબાઈલ નંબર ઉપરથી મહત્તમ ચાર લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેના માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, પાસપોર્ટ, લાયસન્સ, પાન કાર્ડ, સહિતના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. આ ઉપરાંત જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવી શકે તે લોકો માટે ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું છે. અને આવકની કોઈ સીમા નથી.


પ્રાઈવેટ કોવિડ વેક્સિનેશન સેન્ટરમાં જાય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ફી આપવાની રહેશે અને રસીનો જે ભાવ હશે તે આપવો પડશે. ભારત સરકાર તેના ભાવ જાહેર કરશે. અને પેમેન્ટ માટે ભારત સરકારની ઓનલાઈન પ્રાઈવેટ ફેસિલિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ વેક્સિનના ઓનલાઈન સર્ટિફિકેટ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Comments