share this

Saturday, March 6, 2021

નશાથી કેવી રીતે છૂટકારો મેળવવો


મનોરંજન માટે જાણીતું બોલિવૂ઼ડ આજે ડ્રગ્સના કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ નશાની આદતનો સામનો કરી રહ્યા છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ 2020ના જણાવ્યા પ્રમાણે, ડ્રગ્સનો વધતો ઉપયોગ વધતી સંપત્તિ સાથે જોડાયેલો છે. રિપોર્ટ દર્શાવે છે કે, વિકાસશીલ દેશોની તુલનાએ વિકસિત દેશોમાં ડ્રગનો ઉપયોગ વધુ છે. કોકેન જેવા ડ્રગ્સનો ઉપયોગ દુનિયાના ઘણા શ્રીમંત વર્ગના લોકો કઈ રહ્યા છે.


કોઈપણ અંગ કરતાં મગજને નુકસાન પહોંચાડે છે નશાની આદત

રાજસ્થાનના કોટામાં ન્યૂરો સાઈકેટ્રિસ્ટ અને કાઉન્સિલર ડોક્ટર નીના વિજયવર્ગીયના જણાવ્યા પ્રમાણે, નશો તમને હંમેશાં એડિક્શન એટલે કે આદતની તરફ લઈ જાય છે. કોઈએ પણ નશો ન કરવો જોઈએ. તેમના જણાવ્યા પ્રમાણે, સિગારેટના વ્યસનીને લાગે છે કે ફક્ત તેમના ફેફસાં નબળા પડી રહ્યા છે અથવા દારૂ પીનારાઓને લાગે છે કે આ નશાની અસર તેમના લિવર પર થાય છે, જ્યારે આવું નથી. કોઈ પણ નશો હોય તે લિવર, કિડની, ફેફસાં કરતાં મગજને વધારે નુકસાન પહોંચાડે છે.


એડિક્શન શું છે?


અમેરિકન સાઇક્યાટ્રિક અસોસિએશનના જણાવ્યાનુસાર, એડિક્શન એ એક માનસિક રોગ છે, જે કોઈ એક વસ્તુ (દારૂ, ડ્રગ્સ)ના સતત ઉપયોગને કારણે થાય છે. વ્યક્તિ જાણે છે કે તેની સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર પડી શકે છે. તેમ છતાં તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.

આ વસ્તુઓ મગજની કામ કરવાની પદ્ધતિને અસર કરે છે. ડ્રગ લેવાની ટેવથી પીડાઈ રહેલા લોકોમાં ટોલરન્સ વિકસિત થઈ જાય છે. એટલે કે, ધીમે-ધીમે નશાની માત્રા વધવા લાગે છે કારણ કે, જેટલી માત્રામાં ડ્રગ તેઓ પહેલા ઉપયોગમાં લેતા હતા હવે તે તેમને ઓછું લાગવા લાગે છે. ઉદાહરણ તરીકે, એક ગ્લાસ આલ્કોહોલ પીતા વ્યક્તિએ ત્રણથી ચાર ગ્લાસ પીવાનું શરૂ કરી દે છે. આ સંખ્યા વધતી જ રહે છે. ડ્રગ્સ લોકો વિવિધ કારણોસર લે છે. તેમાં સારો અનુભવ કરવો, વધુ સારું કામ કરવું અથવા દબાણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.


જો તમે વ્યસનનો શિકાર હોવ તો આ આદતને કેવી રીતે ઓળખવી?


ડૉક્ટર વિજયવર્ગીયાના જણાવ્યાનુસાર, ઘણા પ્રકારના વ્યસન હોય છે અને દરેક વ્યસનનું સ્તર જાણવા માટેની રીત જુદી હોય છે. તેમના મતે, તમે આ રીતે ડ્રગ એડિક્શન કેટલું છે એ શોધી શકો છો.


ન ઇચ્છવા છતાં વ્યસન કરવું: વ્યસનની ટેવ આને જ કહેવાય છે. ગંભીર કિસ્સાઓમાં વ્યક્તિને જાણ હોય છે કે વ્યસન કરવાથી સામાજિક, નાણાકીય, કૌટુંબિંક, સન્માન જેવાં અનેક કારણોસર તેને નુકસાન થઈ રહ્યું છે. તેમ હોવા છતાં તે વ્યસન કરવાની ઇચ્છા થાય છે.

કામ અથવા અભ્યાસનું નુકસાન: વ્યસનની ટેવથી પીડિત વ્યક્તિનું મોટાભાગનું ધ્યાન વ્યસન પર હોય છે. આવી સ્થિતિમાં, જો વિદ્યાર્થીઓ આ ટેવથી પીડાઈ રહ્યા હોય તો તેમના અભ્યાસને અસર થઈ શકે છે અને જો કોઈ કામ કરનારી વ્યક્તિ વ્યસની બને તો તેની પ્રોડક્ટિવિટી પર અસર પડે છે.

વ્યસન પર ખર્ચ વધવો: વ્યસન તરફ જતા લોકો તેના પર વધારે પૈસા ખર્ચવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં તેમના પર આર્થિક દબાણ વધે છે અને તેના કારણે વ્યસન પણ વધે છે. જો તમે પહેલાં કરતાં વધારે પૈસા વ્યસન પર ખર્ચવા લાગ્યા હો તો તે વ્યસનનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે.


નશાની આદતથી કેવી રીતે છૂટકારો મેળવશો?

1.ધીરે ધીરે નહીં અચાનક નશો છોડો: મોટા ભાગના લોકો ધીરે ધીરો નશો છોડવા માટે વિચાર કરે છે, જોકે એક્સપર્ટ તેનાથી વિપરિત સલાહ આપે છે. ડૉક્ટર વિજયવર્ગીયના જણાવ્યા પ્રમાણે, જો તમે આદત છોડવા માગો છો તો અચાનક જ નશાની વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપે છે.


2.આત્મવિશ્વાસ વધારો: નશો છોડાવા માટે સૌથી મોટી ભૂમિકા મજબૂત મન અને નિશ્ચય પર નિર્ભર છે. જો તમે નિર્ણય લઈ લીધો છે કે ફરી નશાની વસ્તુને હાથ નહિ લગાવો તો પહેલાં મનમાં આત્મવિશ્વાસ વધારો. પોતાના પર ભરોસો કરો અને કહો કે આ કામ ફરી નહિ કરો.


3.પરિવારનો સપોર્ટ: એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ સમયગાળામાં પરિવારનો સપોર્ટ સૌથી જરૂરી હોય છે. જો પરિવાર લત છોડનાર વ્યક્તિને ટોણા મારશે તો તેમની લત છોડવી મુશ્કેલ બનશે. તેથી પરિવારે તેમને સમર્થન કરવું જોઈએ.


4.જૂની બીમારીની સારવાર કરાવો: ઘણી વાર કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ બીમારીને લીધે નશો કરવા લાગે છે. એક બીમારી ભૂલવા માટે નશાનો સહારો લે છે અને પછી તેની લત લાગી જાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી નશાનું કારણ જાણે અને જો તે કારણ કોઈ બીમારી છે તો તેની સારવાર કરાવો.

5.ખરાબ વસ્તુઓથી અંતર: નશો કરવાના ઘણા કારણો હોય છે. ઘણીવાર વ્યક્તિ કોઈના દબાણ કે મિત્રતાને લીધે નશો કરવાનું શરુ કરી દે છે. તેવામાં જો તમે નશાની આદતને છોડવા માટે તૈયાર થઇ ગયા છો તો આ પ્રકારની વસ્તુઓથી દૂર રહો. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો કોઈ મિત્ર તમને દારૂ પીવાનું કહી રહ્યો છે તો તે તમારો દુશ્મન છે.


6.નવો પ્લાન તૈયાર કરો: આદત છોડ્યા પહેલાં એ જાણવું ઘણું જરૂરી છે કે તમે નશો કરવાનું કેમ શરુ કર્યું હતું કારણકે જો તમે આ કારણ જાણો છો. તો તમને ભવિષ્યના પ્લાનિંગ કરવામાં મદદ મળશે. કારણ જાણ્યા પછી પ્લાન બનાવો કે જો જૂની સ્થિતિ ફરીથી તમારી સામે આવે તો તમે શું કરશો.


7.ઓપ્શન શોધો: આદત છોડવાના પ્રયત્નો પછી ઘણીવાર તમે નશાવાળી જગ્યા પર પોતાને અનુભવ કરશો જેમ કે, પાર્ટી. તેવામાં તમારા મનને મજબૂત રાખો અને નક્કી કરો કે, તમે પાર્ટીમાં માત્ર સામેલ થવા આવ્યા છો, નશો કરવા નહિ. ઉદાહરણ તરીકે જો પાર્ટીમાં લોકો દારૂ પીતા હોય તો તમે સોફ્ટ ડ્રિંકનો ઓપ્શન સિલેક્ટ કરો.


8.લાઈફસ્ટાઈલમાં ફેરફાર: એક્સપર્ટે જણાવ્યું કે, નશો છોડવા માટે તમારે માત્ર માનસિક જ નહિ પણ શારીરિક રીતે પણ કામ કરવું પડશે. નશો છોડવાની પ્રક્રિયા દરમિયાન ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખો. સંતુલિત ડાયટ લો, રાતે સારી ઊંઘ કરો અને કસરતને રૂટીનમાં સામેલ કરો. ડૉ. વિજયવર્ગીયે જણાવ્યું કે, કસરતમાંથી મળતી ખુશી લાંબા સમય સુધી હોય છે.

Comments