share this

Monday, March 1, 2021

હવે ગુજરાતમાં પણ પેપરલેસ બજેટ, રાજ્ય સરકારે મોબાઈલ એપ્લિકેશન કરી લૉન્ચ


દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતુ. જે બાદ હવે ગુજરાત સરકારે પણ પેપરલેસ બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 1 માર્ચથી શરૂ થનારા બજેટ સત્રમાં રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલ પણ પેપર લેસ બજેટ રજૂ કરશે. આ માટે આજ રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ એપ્લેકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.


રાજ્ય સરકારે ‘ગુજરાત બજેટ’ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેમાં બજેટને લગતી તમામ માહિતી જોઈ શકાશે. ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનમાં અંદાજ પત્રની તમામ માહિતી જોઈ શકાશે. આ એપ્લિકેશનમાં બજેટ લક્ષી તમામ વિગતો અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપલબ્ધ રહેશે.


ગૂગલ પ્લે સ્ટોર પરથી ગુજરાત બજેટ નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં ગુજરાતના બજેટ અંગેની તમામ વિગતો દર્શાવવામાં આવશે. આ એપ્લિકેશનમાં દરેક વિભાગની અલગ-અલગ જોગવાઈઓ પણ દર્શાવવામાં આવી છે.


ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનની ખાસ વાત એ છે કે, અહીં તમે માત્ર આવનારું બજેટ જ નહીં, પરંતુ અગાઉનું બજેટ પણ જોઈ શકશો. આ એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરવા અને માહિતી મેળવવા માટે વિવિધ વિભાગો બનાવવામાં આવેલા છે. ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન થકી રાજ્યનો દરેક નાગરિક સરળતાથી બજેટ વાંચી શકશે.


આ અંગે નાણાંમંત્રી નીતિન પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતનું બજેટ પૂર્ણ રીતે ડિજિટલ હોય તે જોવા અમે માંગીએ છીએ. જેનાથી હજારો ટન કાગળનો વપરાશ ઘટશે. દરેક સભ્યોને તેમના મોબાઇલમાં આ એપ્લિકેશન થકી બજેટ માહિતી અપડેટ થતી રહેશે અને લેપટોપમાં બજેટ જોવા માટે સરકાર ધારાસભ્યોને પેનડ્રાઇવમાં પણ બજેટ આપવા જઈ રહી છે.

Comments