share this

Monday, March 1, 2021

વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી 31 માર્ચ સુધીમાં ભરવા BCGનો આદેશ


ગુજરાત બાર કાઉન્સીલે ( BCG ) વધુ એક વખત સભ્યો માટે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી દેવાની મુદત લંબાવવાનો આજે નિર્ણય કર્યો છે. સભ્યોને 31 માર્ચ સુધીમાં વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી દેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ત્રણ વર્ષથી 43,000 વેલ્ફેર ફંડના સભ્યો પૈકી માત્ર 22 હજાર ઉપરાંતના સભ્યો નિયમિત વેલ્ફેર ફંડ રિન્યુઅલ ફી ભરે છે.


ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કિરીટ બારોટ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગત અને શિસ્ત કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાં તથા સભ્ય દિપેન દવેએ જણાવ્યું છે કે, ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ ગુજરાતમાં મુત્યુ પામનારા ધારાશાસ્ત્રીઓના વારસદારોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મુત્યુ સહાય ચુકવવામાં આવે છે. મુત્યુ પામનારા ધારાશાસ્ત્રીના વારસદારોને ચુકવવાની આ રકમ વેલફેર ફંડની ટિકીટ, મેમ્બરશીપ ફી, તેમની રિન્યુઅલ ફી દ્રારા એકઠી કરી ચુકવવામાં આવતી હોય છે. આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કોઇપણ ફંડનો ઉપયોગ મુત્યુ સહાયની રકમ ચુકવવામાં આવતો નથી.


તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત બાર કાઉન્સીલના રોલ પર 88,000 જેટલા ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે. તે પૈકી માત્ર 43 હજાર ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બન્યાં છે. આ યોજનાનો લાભ લેનારા દરેક ધારાશાસ્ત્રી સભ્યોએ તા.3/2/2019ના ઠરાવ અનુસાર દર વર્ષે વાર્ષિક 1500 ફરજિયાત રિન્યુઅલ ફી ભરવાની થાય છે. અને 1/9/2020થી 30/9/2020 સુધી ભરવાની હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ 19ની મહામારીના કારણે તથા કોર્ટનું સંપૂર્ણ કામકાજ શરૂ થયું ના હોવાના કારણે અને ધારાશાસ્ત્રીઓના વારસદારોના હિતના લક્ષમાં રાખીને તેમ જ ગુજરાત બાર કાઉન્સીલના સભ્યો અને બાર એસોસીએસનનોની રજૂઆતને ધ્યાનમાં લઇને તા.31મી માર્ચ સુધી વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવા માટેનો સમય લંબાવવામાં આવે છે. ગુજરાત બાર કાઉન્સિલની વેલ્ફેર ફંડની નિયમિત ફી ભરનારા ધારાશાસ્ત્રીના કુટુંબીજનો જ સહાય મેળવવા હક્કદાર બનતાં હોવાનું તેઓએ જણાવ્યું છે.


ત્રણ વખત મુદત લંબાવાઇ


ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની છેલ્લી તારીખ 31/12/20 હતી. પછી આ તારીખ લંબાવીને 31/1/21 કરવામાં આવી હતી. વળી પાછી આ તારીખ 28/2 સુધી લંબાવવામાં આવી હતી. રજૂઆતોના અંતે હવે 31/3/2021 સુધી લંબાવાઇ છે.

Comments