share this

Sunday, February 28, 2021

ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરતાં પહેલા કેટલો ટેક્સ વૂસલવામાં આવે છે તે જાણી લો


આપણા દેશમાં લોકો ગોલ્ડમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. દુનિયામાં ચીન બાદ ભારત સૌથી મોટું સોનાનું માર્કેટ છે. સોનામાં રોકાણને એક સુરક્ષિત ઈન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે. અત્યારે લોકો ડિજિટલ ગોલ્ડમાં ઘણું રોકાણ કરી રહ્યા છે. જો તમે પણ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


જ્યાં રોકાણ કરવાનું છે તેનું ધ્યાન રાખવું


ડિજિટલ ગોલ્ડમાં ઘણા પ્રકારે રોકાણ કરી શકાય છે. ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેટ ફંડ્સ (ETF), સોવરેન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને પેમેન્ટ એપ દ્વારા રોકાણ કરી શકાય છે. તેથી કોઈપણ રીતે ગોલ્ડમાં રોકાણ કરતાં પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી. જે ફર્મમાં રોકાણ કરી રહ્યા છો તેની જાણકારી હોવી પણ જરૂરી છે.


ટ્રાન્સપરન્સી અને રિયલ ટાઈમ અપડેટ જરૂરી


જ્યારે તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો પ્લાન બનાવો છો તો તેના વિશે એટલું ધ્યાન રાખવું કે જે ફર્મમાં તમે પૈસાનું રોકાણ કરી રહ્યા છો તે તમને ટ્રાન્સપરન્સી અને રિયલ ટાઈમ અપડેટ આપે છે કે નહીં, કેમ કે, કિંમતમાં ફેરફાર થશે તો તમને તરત જાણકારી નહીં મળે તેથી થઈ શકે છે તમે વધારે ફાયદો ન મેળવી શકો.


કેટલો ટેક્સ આપવો પડશે તે જાણવું જરૂરી


ડિજિટલ ગોલ્ડ ખરીદવા (રોકાણ) પર પણ સોનાની જેમ જ 3% GST ચૂકવવો પડે છે. તેમજ તેને વેચવા પર જે ટેક્સ લાગે છે તે ફિઝિલક ગોલ્ડ (સોના)ની જેમ જ હોય છે. જો તમે સોનું ખરીદીને 3 વર્ષની અંદર વેચો છો તો તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેમ માનવામાં આવે છે. આ વેચાણથી થતો ફાયદો તમારા ઈન્કમ ટેક્સ સ્લેબના હિસાબથી ટેક્સ લાગુ થાય છે. તેમજ જો સોનાને 3 વર્ષ બાદ વેચો છો તો તેને લોન્ગ ટર્મ કેપિટલ ગેન માનવામાં આવે છે. તેના પર 20.8% ટેક્સ ચૂકવવો પડે છે.


કેટલું રોકાણ કરવું તે સમજો


તમે સોનામાં રોકાણ કરો છો ત્યારે પણ તમારે તેમાં મર્યાદિત રોકાણ કરવું જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કુલ પોર્ટફોલિયોના માત્ર 5થી 10% જ સોનામાં રોકાણ કરવું જોઈએ. સંકટ સમયે સોનામાં રોકાણ કરવાથી તમારા પોર્ટફોલિયોમાં સ્થિરતા આવી શકે છે, પરંતુ લાંબા સમયગાળામાં તે તમારા પોર્ટફોલિયોના રિટર્નને ઓછું કરી શકે છે.


પાંચ વર્ષમાં ડિજિટલ ગોલ્ડે ધમાકેદાર રિટર્ન આપ્યું


21 જાન્યુઆરી 2016માં સોનાની કિંમત 26,500 રૂપિયાની આસપાસ હતી, જ્યારે અત્યારે સોનાનો ભાવ 47 હજાર છે. એટલે કે 5 વર્ષમાં સોનાએ 95% રિટર્ન આપ્યું છે. ભારતમાં સોનાની કિંમત 1965ની સરખામણીમાં અત્યારે 746 ગણો વધારે છે. 1965માં તેની કિંમત પ્રતિ 10 ગ્રામ 63.25 રૂપિયા હતી.

Comments